
જન્નતુલ બકી (Jannat al-Baqi), જેને બકીઅલ-ગરકદ (Baqi’ al-Gharqad) બકી નું કબરસ્તાન તરીકે પણ ઓળખવામાં આવે છે, મદીનાની પવિત્ર ધરતી પર આવેલું ઇસ્લામનું સૌથી મહત્વપૂર્ણ કબરસ્તાન છે. આ કબરસ્તાનમાં નબી અકરમ ﷺ ના પરિવારજનો (અહલુલ બૈત), સહાબીઓ અને અનેક બીજા મહત્વપૂર્ણ ઇસ્લામિક વ્યક્તિઓ દફન છે. એવું માનવામાં આવે છે કે અહીં ઓછામાં ઓછા 10,000 સહાબીઓની કબરો છે. દુર્ભાગ્યવશ, આજકાલ આ કબરોને ઓળખવી અશક્ય છે કારણ કે એ બધી બિનનિર્ધારિત છે (કોઈ ઓળખચિહ્ન વગરની છે).
આ જમીન પહેલા ઝાડોથી ઢંકાયેલી હતી, જેને સાફ કરીને મુસ્લિમો માટે કબરસ્તાન તરીકે નિર્ધારિત કરવામાં આવ્યું. પ્રથમ દફન થયેલા વ્યક્તિઓમાં અસઅદ ઇબ્ન જુરારા (ર.અ.) અને ઉસ્માન ઇબ્ન મઝઉન (ર.અ.)નો સમાવેશ થાય છે. ઉસ્માન ઇબ્ન મઝઉન (ર.અ.)ને નબી અકરમ ﷺએ “અમારા વચ્ચે પ્રથમ જન્નત તરફ જનાર” તરીકે સંબોધ્યા હતા.
અક્સર નબી અકરમ ﷺ એ જન્નતુલ બકી જતા રહેતા અને ત્યાં દફન થયેલા મુસ્લિમો માટે દુઆ કરતા હતા.
હુઝુર મુહમ્મદ ﷺ એમના માટે ફરમાવતા:
“હે બકીમાં આરામ કરવા વાળાઓ, તમારા ઉપર સલામતી થાય. ઇનશા’અલ્લાહ, અમે પણ તમારામાં જોડાઈશું. હે અલ્લાહ, બકી વાળાઓ ને માફ કર.”
અન્ય હદીસમાં નબી અકરમ ﷺએ ફરમાવ્યું:
“જે કોઈ મદીનામાં મૃત્યુ પામે, હું તેના માટે શફાઅત કરીશ.”
અન્ય હદીસમાં નબી અકરમ ﷺએ ફરમાવ્યું:
“હું કબરમાંથી સૌપ્રથમ નીકળીશ, પછી અબૂ બકર અને પછી ઉમર. પછી હું બકીના લોકો તરફ આવીશ અને તેઓ મારી સાથે ઊઠાડવામાં આવશે. પછી હું મક્કાના લોકોની રાહ જોઈશ જેથી હું બંને હરમના લોકોની વચ્ચે ઊઠાડવામાં આવી શકું.”
દફન થયેલા મહત્વપૂર્ણ વ્યક્તિઓ
અહલુલ બૈત (નબીના પરિવારજનો)
ફાતિમા ઝહરા (ર.અ.): નબીની પુત્રી, હઝરત અલી (ર.અ.)ની પત્ની.
હસન ઇબ્ન અલી (ર.અ.): નબીના નાતી અને બીજા ઇમામ.
અલી ઝૈનુલ આબિદીન (ર.અ.): ચોથા ઇમામ, હસનના પુત્ર.
મુહંમદ અલ-બાકિર (ર.અ.): પાંચમા ઇમામ.
જાફર અસ-સાદિક (ર.અ.): છઠ્ઠા ઇમામ.
ઇબ્રાહિમ: નબીના પુત્ર.

અન્ય સહાબીઓ:
ઉસ્માન ઇબ્ન અફફાન (ર.અ.): ત્રીજા ખલીફા.
અબુ હુરૈરા (ર.અ.): સૌથી વધુ હદીસ રિવાયત કરનાર સાથી.
અબુ સઈદ અલ-ખુદરી (ર.અ.): યુદ્ધોમાં ભાગ લેનાર અને હદીસ રિવાયત કરનાર.
સઅદ ઇબ્ન મુઆઝ (ર.અ.): મદીનાના અન્સારના નેતા.
અસઅદ ઇબ્ન જુરારા (ર.અ.): મદીનાના પ્રથમ મુસ્લિમ અને પ્રથમ દફન થયેલા સાથી.
અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ (ર.અ.): નબીના કાકા.
હાલીમા સાદિયા (ર.અ.): નબી ﷺ ને ગોદ લીધેલ માતા.
અબદુલ્લાહ ઇબ્ન મસઉદ (ર.અ.): કુરઆનના મહાન મુફસિર અને ફિકહ વિદ્વાન.

જન્નતુલ બકીનો ઈતિહાસ:
કબર ઉપર ઈમારત કે મકબરો બનાવો એ ઈસ્લામ માં હદીસ અને શરિયત ની વિરુદ્ધ કાર્ય છે એટલે નબી અકરમ ﷺના સમય થી ઓટોમન યુગ સુધીનો ઇતિહાસ જોઈએ તો બકી કબરસ્તાનમાં કબર પર કોઈ વિશેષ માળખું બનાવેલું ન હતું. કબરને સરળ રીતે નિશાની તરીકે રાખવામાં આવતી હતી.
કબર પર ગુમ્બદ અને મકબરા બનાવવાની પ્રથા ઓટોમન (સલ્તનત એ ઉષ્માનીયા) સામ્રાજ્યના શાસન દરમિયાન થઈ, ખાસ કરીને 16મી સદીથી 19મી સદી સુધી, જન્નતુલ બકીમાં કેટલાક મહત્વપૂર્ણ સહાબીઓની કબર પર ગુમ્બદ અને મકબરા બનાવવામાં આવ્યા. આમાં ખાસ કરીને નબીના પરિવારજનો અને ખલીફાઓની કબરનો સમાવેશ થાય છે. અહલે બૈત ની અને હઝરત ઉસ્માન ઇબ્ન અફફાન (ર.અ.)ની કબર પર એક વિશાળ ગુમ્બદ બનાવવામાં આવ્યો હતો. આ માળખાઓ ઓટોમન શાસકોની ઈસ્લામિક વારસાને જાળવવાની ઈચ્છાનું મકસદ હતી પરંતુ સમય જતા એમાં ઘણાં કુરિવાજો અને ખુરાફાતો શામેલ થવા લાગી હતી.
ઓટોમન યુગ નું અંત અને વહાબી વિચારધારાના અનુયાયીઓ અને આલે સઉદ પરિવારના શાસન હેઠળ, 1806માં પ્રથમ વખત જન્નતુલ બકીના માળખાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા. તેમણે કબર પરના માળખાઓને શિર્ક માનતા, તેમને નષ્ટ કર્યા.
બીજી વાર 1925માં, સાઉદી અરેબિયાના સ્થાપક કિંગ ઇબ્ન સઉદના આદેશથી, બાકી રહેલા ગુમ્બદ અને મકબરાઓને ફરીથી ધ્વસ્ત કરવામાં આવ્યા. આ ધ્વંસ 8 શાવ્વાલ, 1345 હિજરી (21 એપ્રિલ, 1925)ના રોજ થયો. આ ઘટનાએ સમગ્ર મુસ્લિમ વિશ્વમાં દુઃખ અને વિરોધની લાગણી ઊભી કરી હતી. આ ધ્વંસ માં એકપણ મકબરો બાકી ન રખાયો.
જન્નતુલ બકીના ધ્વંસ પહેલાં અને પછીના ફોટોગ્રાફિક દસ્તાવેજો ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે, જે આ પવિત્ર સ્થળના ઇતિહાસને દર્શાવે છે. આ ફોટોગ્રાફો દ્વારા, આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે આ સ્થળે સમય સાથે પરિવર્તન આવ્યું.


આ રીતે, જન્નતુલ બકીનું ઇતિહાસ નબી અકરમ ﷺના સમયથી લઈને ઓટોમન શાસન અને પછીના ધ્વંસ સુધીનું છે, જે ઇસ્લામિક વારસાની સંરક્ષણ અને નાશની કહાણી કહે છે.
ઝિયારત અને દુઆ
મુસ્લિમો માટે જન્નતુલ બકીની ઝિયારત કરવી અને ત્યાં દફન થયેલા મુમિનો માટે સલામ અને દુઆ કરવી સુન્નત અને સવાબનું કામ છે. મસ્જિદે નબવી માં દરરોજ ફજર અને અસર ની નમાઝ પછી જન્નતુલ બકી ની ઝિયારત માટે ગેટ ખોલવા માં આવે છે અને ઝાઇરીન ઝિયારત માટે જાય છે.
જન્નતુલ બકી નો નકશો:

વધુ રસપ્રદ અને સહી જાણકારી માટે અમારી વેબસાઇટ ને ફોલો કરતા રહો. અને જે હાજીઓ આ વર્ષે હજ પર જાય છે એમના સુધી શેર કરો. જઝાકલ્લાહુ ખૈર.
– મોહંમદ અવેશ સૈયદ – 9998031372
