Prophet Muhammad Hajj – Heart touching journey – Hajjatul Wada in Gujarati
હઝરત મુહંમદ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ નો હજ એટલે હજ્જતુલ વિદા.
નબી કરીમ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ એ 25 ઝૂલ–કાદા 10 હિજરી, 632 ઈસવી માં હજ માટે રવાના થયા.
લગભગ 1 લાખથી વધારે સહાબીઓ આપ ﷺ ની સાથે જોડાયા હતા.
મદીનાથી ઝૂલ-હુલૈફા જેને અબ્યાર અલી પણ કેહવાય છે જે મદીના વાળાઓ ની મિકાત છે ત્યાં ગયા અને ત્યાં થી ઈહરામ બાંધ્યો. આપ ﷺ એ હજ્જે કિરાન (હજ અને ઉમરા એકસાથે) કર્યું. લોકેશ માટે અહીંયા ક્લિક કરો
ગુસ્લ, નમાઝ અને નિયત કરી અને “લબ્બૈક અલ્લાહુમ્મ લબ્બૈક…” થી તલબિયા શરૂ કરી. અને આપના સાથીઓ સાથે મક્કા શરીફ તરફ સફર શરૂ કર્યું.
નબી કરીમ ﷺ હિજરત વાળો માર્ગ અપનાવ્યો, જે આજના સમય માં પણ હિજરાહ હાઇવે થી ઓળખાય છે. પરંતુ એ વખતે તે રણ નો માર્ગ હતો.
સૌ પ્રથમ આપ ﷺ વાદી અલ-અકીક થી પસાર થયા. હદીસમાં તેનું ઉલ્લેખ મળે છે જે બરકત વાળી વાદી છે.
પછી બીરે રવહા પહોંચ્યા, ત્યાં આપ ﷺ અને સાથીઓ એ આરામ ફરમાવ્યું અને હદીસો માં છે કે આ કૂવા પર થી 70 જેટલા અંબિયા પસાર થયા છે. લોકેશન માટે અહીંયા ક્લિક કરો. બદર ની ઝિયારત પર જવાના રસ્તા માં આ મુબારક કુવો આવે છે.
પછી આપ મક્કા તરફ આગળ વધતાં અસફાન થી પસાર થયા. મક્કાની ઉત્તરે એક સ્થાન છે જે જૂના વેપાર નું માર્ગ રહ્યું છે. વેપારી કાફલા અહીંયા થી પસાર થતા હતાં. લોકેશન માટે અહીંયા ક્લિક કરો.
મક્કા શરીફ માં દાખલ થતા પેહલા નું આખરી પડાવ મર–અઝ–ઝહરાન હતું. અઝ-ઝહરાન હાલ માં મીના ની નજીક છે.
આપ ﷺ ઝૂલ હિજ્જા ની 4 તારીખે મક્કામાં દાખલ થયાં.
અય નબી એ રહમત ﷺ નાં માનવા વાળાઓ જરા કલ્પના કરો એ સફરની જે કલાકોની નહીં, પણ દિવસોની! મદીનાથી મક્કા સુધીનો 450+ કિલોમીટર નો માર્ગ, કડકડતું તાપમાન, ખુલ્લું આકાશ અને ફક્ત ઊંટ કે ઘોડા સવારીઓ. કોઈ AC વાહન નહીં, કોઈ હાઈવે નહીં, કોઈ રસ્તા માં હોટેલો કે આરામગાહ નહિં. બસ ઈમાન, ઇખલાસ, રુહાનિયત અને અલ્લાહની રઝામંદી. નબી એ કરીમ સાલલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના હજારો સહાબીઓ સાથે આ રણમાં પદયાત્રા કરતા હતા. દર પગલાં ઈબાદત ની અસર સાથે ભરેલાં. તાપ વધતું, માટી ધૂળ ઉડતી, પણ દિલોમાં અહેસાસ, જઝબો, કામિયાબી. તેઓ ખાલી જમીન પર સુતા, ઘાટીઓમાં નમાઝ અદા કરતા, અને ઓછી માત્રામાં મળી આવતું પાણી પીતા. દરેક કિલોમીટર તેમને ફક્ત કાબાની નજીક નહીં, પણ અલ્લાહના કરમ તરફ લઇ જતી. આ ફક્ત જીસ્માની હજ યાત્રા નહોતી, આ તો રૂહ ની પવિત્ર મુસાફરી પણ હતી.
આપ ﷺ અને સાથીઓ હરમે કાબા માં પ્રવેશ્યા. તવાફ કુદૂમ અને સઈ (સફા-મરવા વચ્ચે) અદા કરી. મક્કામાં 8મી ઝૂલ હિજ્જા સુધી રોકાયા.
8 ઝૂલ હિજ્જા યૌમે તરવિયાહ સવારે મિના ગયા. મિનામાં જમાઅત સાથે ઝુહર, અસર, મગરિબ, ઇશા અને ફજરની નમાઝ અદા કરી. બધી નમાઝો કસર હતી અને એકસાથે નહીં પરંતુ તેમના સમયે અદા કરી. તેઓએ મિનામાં રાત વિતાવી, આ રૂહાની તૈયારી અને ઈબાદતનો સમય હતો. સાદગી અને ઇન્કિસારી સાથે તેમણે તંબુઓમાં અથવા ખુલ્લી જમીન પર રોકાણ કર્યું. કોઈ શોખભર્યું જીવન નહીં. કોઈ હાઈ ફાઇ મોઅલ્લિમ કેટેગરી A-B–C-D નહીં. આ શીખવે છે કે હજ એ નમ્રતા અને ઈખ્લાસ છે, શોખ અને દેખાડો નહીં. જમાત સાથે નમાઝ, મોટી ભીડ છતાં જે મુસ્લિમોની એકતા અને વ્યવસ્થાનો સંદેશો છે.
9 ઝૂલ હિજ્જા યૌમે અરફા સૂર્યોદય પછી અરફાત તરફ રવાના થયા. અરફાતના બહારના વિસ્તારમાં નમિરાહ ખાતે રોકાયા. ઝુહર અને અસર ની નમાઝ એક સાથે અદા કરી (જમા તકદીમ). સૂર્યાસ્ત સુધી દુઆ અને ઈબાદત (વુકૂફ) કર્યું. જબલુર રહમા પાસે ઊંટ “કસ્વા” પર બેસીને હજારો સહાબીઓ સામે ઇતિહાસિક વિદાયી ખુત્બો આપ્યો.
મુખ્ય સંદેશો:
દરેક ઇન્સાન બરાબર છે (અરબ અને અજમ માં ભેદ નથી)
સ્ત્રીઓના અધિકારો
વ્યાજ (રિબા)નો અંત
જીવ અને માલની હિફાઝત અને પવિત્રતા
મુસ્લિમ ભાઈચારો
કુરઆન અને સુન્નતને મજબૂતીથી પકડી રાખવાની શીખ.
હદીસ:
“હજ એટલે અરફાત છે.” (તિર્મિઝી – સહિહ હદીસ)
મગરિબ સુધી દુઆઓમાં લીન રહ્યા.
મગરિબ પઢ્યા વિના મુઝદલિફા ગયા. મગરિબ અને ઈશાની નમાઝ મળાવીને અદા કરી. ત્યાં મગરિબ (3 રકાત) અને ઈશા (2 રકાત) સાથે એક અઝાન અને બે ઇકામત થી પઢી. રાત મઝ્દલિફામાં વિતાવી તેઓએ ખુલ્લા આકાશ નીચે સુઈને આરામ કર્યો. ઈબાદત, ઝિક્ર અને દુઆ કરી.
નાનાં પથ્થરો ભેગા કર્યા જમરાતુલ અકબા માટે. સહાબીઓને કહ્યું કે 49 કે 70 પથ્થરો ભેગા કરો (3-4 દિવસના રમી માટે). ફજર વહેલી સવારે અદા કરી મશઅરુલ હરામ ઉપર ઊભા રહીને લાંબી દુઆ કરી.
10 ઝૂલ હિજ્જા (ઇદ અલ અદહા):
મશઅરુલ હરામ થી તેઓ સૂર્ય નીકળે તે પહેલા મિના જતા રહ્યા. નબી એ કરીમ સાલલ્લાહુ અલૈહિ વસલ્લમ એ 7 નાનાં પથ્થરો જમરાત અલ અકબા પર ફેંક્યા. દરેક પથ્થર સાથે કહ્યું: “અલ્લાહુ અકબર”
100 ઊંટ ની કુરબાની કરી. પોતે 63 ઊંટ ની કુરબાની કરી, બાકી ના 37 ઊંટ અલી બિન અબી તાલિબ રઝિ. એ પૂરાં કર્યા.
અલ્લાહના શુક્ર અને આજ્ઞાપાલન માટે આ કુરબાની હતી.
કુરબાની કર્યા બાદ રસુલુલ્લાહ ﷺ હલક (મુંડન) કરાવ્યું. હજામ ને બોલાવ્યું. પેહલા જમણી બાજુ ના વાળ મુંડવ્યા પછી ડાબી બાજુ ના વાળ મુંડવ્યા. આપ ﷺ એ આ વાળ મુબારક ઉમ્મે સુલેમ સહાબી ને અતા કર્યાં અને બાકી ના વાળ અબુ તલ્હા અંસારી ને હાથે બધા સહાબીઓ માં તકસીમ કરાવ્યાં. હદીસ શરીફ – સાહિહ મુસ્લિમ 1305
પછી મક્કા હરમ શરીફ જઈને હજનો મુખ્ય તવાફ (ઇફાઝા) કર્યો. પછી પાછા મિના આવ્યા.