તવાફ એટલે દિલનાં ધબકારા કાબા શરીફ ની આજુબાજુ

જ્યારે કોઈ મક્કાની પવિત્ર ધરતી પર પગ મૂકે છે અને કાબા શરીફ પર નજર કરે છે, ત્યારે મન અને રૂહ એક અનોખું સુકુન, ઇત્મિનાન, ઠંડક અને જાગૃકતા અનુભવે છે.

નમાજ, રોજો, ઝીકર, ઝકાત આ બધી ઈબાદતો આખી દુનિયામાં ક્યાંય પણ કરી શકાય છે. પરંતુ તવાફ એ એવી ઈબાદત છે જે ફક્ત મસ્જિદે હરામમાં જ થઈ શકે છે.

એક માત્ર સૃષ્ટિ નાં પાલનહાર નું ઘર એટલે કે ખાનાએ કાબા શરીફ ની આસપાસ ખાસ રીતે ૭ ચક્કર લગાવવા ને તવાફ કેહવાય છે. તવાફ એ મુહબ્બત નું પરિભ્રમણ છે. એક જ રબ, એક જ દર, એક જ દરવાજા ઉપર ફરવું, ત્યાં જ ઝોલી ફેલાવવી, દર-બદર નહીં પરંતુ એક જ ઘર નાં મન થી ફેરા લગાવવા એ રૂહાની તવાફ છે.

જ્યારે આપણે તવાફ કરીએ છીએ, ત્યારે આપણા હૃદય નાં ધબકારા કહે છે: “હે અલ્લાહ! હું તારો છું. મારું જીવન, મારો મૃત્યુ, મારી દરેક ઈબાદત બધું તારી જ માટે છે.”

શું તમે જાણો છો ફક્ત આપણેજ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડ અને એમાંની દરેક વસ્તુઓ જાણે તવાફ કરતી હોય છે. કાબા શરીફ નું તવાફ હંમેશા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે (એન્ટીક્લોકવાઇઝ) થાય છે. કેમ ?

વિજ્ઞાન આપણને જણાવે છે કે:

ધરતી પોતે પોતાના અક્ષ પર એન્ટીક્લોકવાઇઝ ફરે છે.

ચંદ્ર પૃથ્વીના આસપાસ એન્ટીક્લોકવાઇઝ ફરે છે.

સૂર્યમંડળના ગ્રહો સૂર્યની આસપાસ એન્ટીક્લોકવાઇઝ ફરે છે.

ગ્લેક્સી માં સૂર્યમંડળ પણ એન્ટીક્લોકવાઇઝ ફરે છે.

આપના શરીરમાં લોહીનું સંચલન એન્ટીક્લોકવાઇઝ દિશામાં થાય છે.

દરેક પાર્ટિકલ નાં એટમમાં ઈલેક્ટ્રોન ન્યુક્લીયસની આસપાસ એન્ટીક્લોકવાઇઝ ગતિ કરે છે.

આ સમગ્ર જગત એમ થાય છે કે જાણે બધું તવાફમાં છે!

કાબા શરીફ પણ ધરતીનું આત્મિક કેન્દ્ર છે.
જ્યારે આપણે કાબાની આસપાસ ફરીએ છીએ, ત્યારે આપણું શરીર, મન અને આત્મા બધું જ બ્રહ્માંડની કુદરતી રિધમમાં જોડાઈ જાય છે. જેને માત્ર મોમીન નું દિલ જાણે છે.

તવાફની ફઝીલત વિશે હદીસ થી સારાંશ આપવામાં આવે છે.

૧. તવાફ નમાજ જેવું છે, ફક્ત તેમાં વાત કરી શકાય છે. – સુનન ઈબ્ન માજાહ

૨. દરેક તવાફ સાથે ગુનાહો માફ થાય છે. – મુસ્નદ અહમદ

૩. ખાના કાબા શરીફ ની ઉપર અર્શ પર બૈતુલ મઆમૂરની ફરતે ફરિશ્તાઓ તવાફ કરે છે. – સહી બુખારી

૪. તવાફમાં દરેક પગલાએ સવાબ મળે છે, ગુનાહ માફ થાય છે, દરજ્જો ઉંચો થાય છે. – જામિ તિરમિઝી

૫. હજરે અસ્વદનો સ્પર્શ ગુનાહો ને ધોઈ નાખે છે. – સુનન નસાઈ

૬. તવાફ અને સઈ હજના મહત્વના અમલો છે. –સહી મુસ્લિમ

૭. રુક્ન યમાની અને હજરે અસ્વદ વચ્ચે દૂઆ કબૂલ થાય છે. – સહી બુખારી


કયામત સુધી તવાફ ચાલુ રહેશે, કાબા શરીફ ની આસપાસનો વિસ્તાર એટલે માતાફ ખૂબ બરકતભર્યો છે, નબી એ રહમત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે વારંવાર તવાફ કરવા પ્રોત્સાહન આપ્યું. – મુસ્નદ અહમદ

તવાફ કરવો એ સંકેત છે કે, મારું જીવન પણ અલ્લાહની આજ્ઞા આજુબાજુ ફરતું રહે.


વધુ રસપ્રદ અને સહી જાણકારી માટે અમારી વેબસાઇટ ને ફોલો કરતા રહો. અને જે હાજીઓ આ વર્ષે હજ પર જાય છે એમના સુધી શેર કરો. જઝાકલ્લાહુ ખૈર.
– મોહંમદ અવેશ સૈયદ – 9998031372